Episode - 4 મારી નજરે અમદાવાદ...કાંકરિયા તળાવ

આજ ની અટલ એક્સપ્રેસ, કિડસ સિટી, કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, લેસર શો, નૌકા વિહાર અને ચોળાફળી માટે જાણીતાં અમદાવાદ શહેર ના મણિનગર વિસ્તાર માં આવેલા કાંકરીયા તળાવ ની અજાણી વાતો ની સફરે...

તળાવ માં પાણીની આવક માટેના દરવાજા અને નગીનાવાડી

સોલંકી વંશના રાજા કર્ણદેવ સોલંકીએ આશાવલ એટલે કે આજના આસ્ટોડિયા ના આશા ભીલને હરાવી ને કર્ણાવતી નગરી ની સ્થાપના કરી જે આજનું મણીનગર.

કર્ણદેવ સોલંકીએ પોતાના નામ પરથી કર્ણાવતી નગર અને તેની બાજુમાં કર્ણસાગર તળાવ બંધાવ્યું. કર્ણસાગર તળાવ એટલે જ આજ નું આપણું કાંકરિયા તળાવ.

પરંતુ મોગલ સલ્તનતના પગ-પેસારા સાથે જ ઇતિહાસે પણ પાનું ઉથલાવ્યું અને કર્ણાવતી નગર અને કર્ણસાગર તળાવ તેની નીચે ધરબાઈ ગયા અને જન્મ થયો અમદાવાદનો. 

કાંકરિયા તળાવ પાસે આવેલી તકતી પર લખ્યું છે તે મુજબ કાંકરિયા તળાવ નું કામ મહમ્મદ શાહ બીજાના સમયમાં શરૂ થયું અને કુતુબ-ઉદ-દિન અહમદશાહ બીજાના સમયમાં એટલે કે ઇ.સ. ૧૪૫૧  માં પૂરું થયું. 

કુતુબ-ઉદ-દિન અહમદશાહ બીજા આ તળાવનું નામ પોતાના નામ પર થી "હોજ-એ-કુતુબ" એવું આપ્યું. એક લોકવાયકા પ્રમાણે તળાવના ખોદકામ વખતે તેમાંથી ખૂબ જ કાંકરા નીકળ્યા હોવાથી આ તળાવ ને કાંકરિયા તળાવપણ કહેવામાં આવ્યું.

એક ઓછી પ્રચલિત પરંતુ રસપ્રદ વાયકા મુજબ "સંત હજરત શાહ આલમ" તળાવના ખોદકામ વખતે અહીં આવ્યા હતા ત્યારે તેના ખુલ્લા પગમાં કાંકરા વાગ્યા ત્યારે તેના મોં માંથી ઉદ્દગાર સરી પડ્યા કે આ  કેવા કાંકરા !!! તેથી પણ આ તળાવને કાંકરિયા તળાવકહેવામાં આવે છે.

૭૬ એકરમાં ફેલાયેલું અને ૩૪ બાજુ ધરાવતું બહુકોણીય કાંકરિયા તળાવ અમદાવાદ ની અન્યય પહેચાન છે.

તળાવની વચ્ચે એક બેટ બનાવેલો છે જેનું નામ છે નગીનાવાડી તે બાગ--નગીનાતરીકે પણ ઓળખાતો. નગીનાવાડી ૪૮ કમાનાકારે જોડાયેલા પથ્થરોથી બનેલા પુલ દ્વારા  તળાવ નાં કાંઠાં સાથે જોડાયેલી છે.

કાંકરિયા તળાવને આંગળીમાં પહેરવાની ગોળાકાર વીંટી ગણીએ તો વીંટીમાં જડેલો અમૂલ્ય રત્ન અને ઉર્દુમાં રત્ન એટલે નગીના”. માટે જ તળાવની વચ્ચે આવેલા બેટ ને નગીનાવાડી કહેવાય છે.

મુઘલો ના રાજ-કુંટબો માટે નગીનાવાડી એ ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટેનું સ્થળ હતું. નગીનાવાડી ની અંદર ઉનાળું મહેલ એટલે "ઘટામંડલ" બનાવેલો હતો.  સ્ત્રીઓને ન્હાવા માટે ના સુંદર મોટા હોજ પણ આવેલા હતા. પુરુષોને નગીનાવાડી પર જવાની મનાઈ હતી. કાંકરિયા તળાવમાં પાણી શુદ્ધિકરણ ની સિસ્ટમ પણ હતી જે અત્યારે નથી.

મિનારાવાળી દીવાલો, સુંદર નકશીકામ કરેલા કિનારાઓ, પાણીની આવક માટેના નળાકાર દરવાજા અને કિનારા પર ગુંબજો ધરાવતું  કર્ણસાગર પછીથી  હોજ-એ-કુતુબ અને આજે કાંકરિયા તરીકે ઓળખાતું આ તળાવ ૫૫૦  વર્ષોથી પણ વધુ વર્ષોની વિરાસત લઈને આજના વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ની શાન સમું અડીખમ ઉભું છે.

એક અમદાવાદી માટે ગર્વની વાત  કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના  સિમ્બોલ ને કાંકરિયા તળાવ અને નગીનાવાડી પરથી લેવામાં આવ્યો છે. જુઓ આ સેટેલાઈટ ઇમેજ.

SBI bank symbol and Kankariya Lake 


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો