Episode - 7 મારી નજરે અમદાવાદ.... નૌબતખાનાં

મારી નજરે અમદાવાદ.... નૌબતખાનાં

જો તમને કોઈ કામ સોંપવામાં આવે તો તમે કેટલા વર્ષો સુધી કરો? સ્વાભાવિક છે કે આપણે એવું કહીએ કે હું જીવું ત્યાં સુધી આ કામ કરીશ પરંતુ મારા છોકરાઓ કે ભાવિ પેઢીનું નક્કી નહીં એ કરે કે ના પણ કરે.

પરંતુ અમદાવાદની પોળમાં હજુ પણ એક કામ છેલ્લા ૬૦૦ વર્ષ થી થઈ રહ્યું છે.

શું વાત કરો છો ?                                           

હા, અહમદશાહ બાદશાહના હુકમથી શરૂ થયેલું નૌબતખાનાં આજ સુધી અવિરતપણે બાદશાહના હુકમનું પાલન કરી રહ્યું છે.

નૌબત ખરેખર એક પ્રકારનું સંગીત છે જે શેહનાઈ (શરણાઈ) અને ઢોલ-નગારા નો ઉપયોગ કરીને વગાડાય છે.

રાજાના હજીરા પાસે આવેલું નૌબત ખાનાં
રાજાના હજીરા પાસે આવેલું નૌબતખાનાં


બાદશાહ દ્વારા નિમાયેલા ખાસ સંગીતકારો અમુક ચોક્કસ સમય અને ચોક્કસ પ્રસંગોપાત પર નૌબત વગાડતાં હતાં.

નૌબતખાનાં ના સંગીતકારો સુલતાનના આવા-ગમન, રાજવી મહેમાનો ની ખુશામત પર, રાજપરિવાર ના કોઈ સભ્ય ના જન્મ અને મરણ પ્રસંગો દરમ્યાન નૌબત વગાડતા.

તેઓ શહેરના ટાઇમકીપર પણ હતા. તેઓએ રાજના સમયમાં સૂર્યાસ્તની ઘોષણા કરવા અને રાત્રે અમદાવાદ ના કિલ્લાના દરવાજા બંધ કરવાની ઘોષણા કરવા ખાસ નૌબત વગાડતા હતા.

આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે રાજા દ્વારા નિયુક્ત કરાયેલા મૂળ સંગીતકારો ના વંશજો દ્વારા આજે પણ નૌબત વગાડવામાં આવી રહી છે.

અમદાવાદ ના માણેકચોક પાસે આવેલા રાજાના હજીરા (અહમદશાહ બાદશાહની કબર) ના પ્રવેશદ્વાર પાસે નૌબતખાનાં ના સંગીતકારની નવમી પેઢીના વારસદારો હજુ પણ ઢોલ-શરણાઈ થી નૌબત વગાડે છે. નૌબત દરરોજ સાંજે ૦૭:૩૦ (સૂર્યાસ્ત સમયે) અને રાત્રે ૧૧.૦૦ વાગ્યે વગાડવામાં આવે છે.

આજે તો રાત્રે અમદાવાદ ના દરવાજા બંધ કરવાની જરૂર તો નથી પરંતુ અહમદશાહ બાદશાહ ના માનમાં નૌબત વગાડવામાં આવે છે.

આજે, નૌબત એ અમીર, મોઇનુદ્દીન અને શેરૂ દ્વારા વગાડવામાં આવે છે. તેઓને તેમના પિતા ભાનુમીયાં દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આપણ ને એ વાતનો આનંદ થવો જોઈએ કે તેઓ આ પરંપરા તેમની આગામી પેઢીઓ ને પણ વારસાઈ માં આપશે જેથી  અમદાવાદનો આ ૬૦૦ વર્ષો નો વારસો જળવાઈ રહે.

તો હવે જ્યારે રાત્રે માણેકચોક માં પેટપુજા કરવા જાવ તો ૧૧:૦૦ વાગ્યે તમારા કાન ને રાજાના હજીરા તરફ માંડજો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Episode - 4 મારી નજરે અમદાવાદ...કાંકરિયા તળાવ

Episode - 5 મારી નજરે અમદાવાદ....દાદા હરીર વાવ