Episode -2 મારી નજરે અમદાવાદ.... માણેકચોક થી માણેક બુરજ સુધી

 

દિવસે સોના-ચાંદી નાં વેપારીઓ થી ઝગમગતું અને રાત્રે ખાણી-પીણી નાં રસિયાઓ થી ઉભરાતું બેવડું બજાર એટલે માણેક ચોક.

આપણા સૌ માટે જાણીતા માણેકચોકની એક અજાણી વાત.

એ માટે આપણે આજથી ૬૦૦ વર્ષ પહેલાના ઇતિહાસના સાક્ષી થવું પડશે.

અહેમદશાહ બાદશાહે જ્યારે અમદાવાદની ફરતે દિવાલ એટલે કે કોટ ચણાવવા નું કામ કરાવતા હતા ત્યારે દિવસે બનાવેલો કોટ રાત્રે તૂટી જતો હતો અને આવું કેટલાય દિવસો સુધી ચાલ્યું.

માણેકનાથ બાબા એક સિદ્ધ સંત હતા તે દિવસ દરમિયાન ચાદર ને વણતા અને રાત્રે એ ચાદરમાંથી એક તારને ખેંચીને આખી ચાદર ખોલી નાખતા અને તેની સાથે જ દિવસ દરમિયાન ચણાયેલો કોટ પણ તૂટી જતો.

બાદશાહ ને કઈ ખબર પડતી ન હતી કે આવું શા માટે થઇ રહ્યું છે એટલે તેણે સરખેજના સૂફી સંત પાસે પોતાની આ વાત જણાવી ત્યારે સૂફી સંતે તેને માણેકનાથ બાબા ને મળવાની સલાહ આપી.

ત્યારબાદ અહેમદશાહ બાદશાહ માણેકનાથ બાબા ને મળ્યા અને પોતે ચમત્કારી છે તે સાબિત કરવા માટે તેમને કરવડા એટલે કે જગ માં સમાઈ જવા માટે કહ્યું.  બાબા પોતાની ચમત્કારી શક્તિથી જગ ની અંદર સમાઈ ગયા અને એ સાથે જ બાદશાહે જગ નુ ઢાંકણ અને નાળચું બંધ કરી દીધું.

બાદશાહે એ જગ ને જમીન મા દાટી દીધો અને એ સ્થળ એટલે આજનું માણેકચોક. જ્યાં આજે પણ માણેકનાથ બાબાની સમાધિ હયાતી ના હસ્તાક્ષર આપે છે.


અહેમદશાહ બાદશાહે માણેકનાથ બાબા ની યાદ માં સાબરમતી નદીના કિનારે ઈ.સ ૧૪૧૧ એક ટાવર બનાવડાવ્યો જેનું નામ આપ્યું માણેક બુરજ(બુર્જ).” 

 ત્યારબાદ બાદશાહે અમદાવાદ ના બીજા સ્થાપત્ય બનાવવાની શરૂઆત કરી. એટલે અમદાવાદનું સૌથી પહેલું સ્થાપત્ય એટલે માણેક બુરજ.

માણેક બુરજ ની અંદર માણેક કૂવો પણ હતો અને ત્યાંનું પાણી બાદશાહી સ્નાનાગારો સુધી પહોંચાડવામાં આવતું પરંતુ સાબરમતી નદીનું વહેણ બદલાતા કુવાનું પાણી સુકાવા મડ્યું અને અંતે ઈ.સ. ૧૮૬૬માં કુવાને દાટીને બંધ કરી દેવામાં આવ્યો.

એવું પણ કહેવાય છે કે માણેકનાથ બાબાની ચાદર વણવાની કળા અદભૂત હતી તેથી જ બાબાનાં આર્શિવાદ થી વીસમી સદીમાં અમદાવાદમાં કાપડની મિલો ધમધમતી થઈ અને કાપડ ઉદ્યોગ ને કારણે દુનિયાભરમાં અમદાવાદ નો ડંકો વાગ્યો અને માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ તરીકે ઓળખાયું મારું અમદાવાદ.

સાબરમતી નદી ઉપર આવેલા એલિસ બ્રિજ પાસે આવેલા માણેક બુરજ પર આજે પણ અમદાવાદ સ્થાપના દિવસ (૨૬ ફેબ્રુઆરી, ૧૪૧૧) પર માણેકનાથ બાબા ના વંશજો ત્યાં પૂજા અને દવજ ફરકાવે છે.

હવે જ્યારે માણેકચોક માં જાવ ત્યારે માણેકનાથ બાબાની સમાધિ જોતા આવજો તમને અતીતના ગૌરવ અનુભવ જરૂર થશે.

  

 

 

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Episode - 4 મારી નજરે અમદાવાદ...કાંકરિયા તળાવ

Episode - 5 મારી નજરે અમદાવાદ....દાદા હરીર વાવ